શુક્રવાર, 26 માર્ચ, 2010

About after Death...

મૃત્યુ વિષે ઘણું વાંચ્યું છે, ઘણું જોયું છે અને ખૂબ ઓછું સમજ્યું કે મેળવ્યું છે. મેં અહીં મૃત્યુ વખતનો અનુભવ કેવો હશે તે લખવાનો પ્રયત્ન કર્યો છે, મને લાગે છે કે જે સંજોગો વિષે બીજા કોઈ વિચારવા ન માંગતા હોય તેના વિષે આપણે વિચારવું જોઈએ….મારા મૃત્યુ પહેલાનો અને પછીનો સમય અહીં કલ્પ્યો છે……કદાચ આવું જ હોય અને કદાચ આવુંન ય હોય પણ આ તો એક કલ્પના છે……ભવિષ્યની ……અને ભવિષ્ય પછીના ભવિષ્યની……
મારા ઘણા અખતરાઓને આપે વાંચ્યા અને વખાણ્યા કે મૂલવ્યા છે…આશા છે આ પણ ગમશે…
E@@@@@——>
શ્વાસો ધીમા થઈ ગયા છે, આંખો અર્ધ બીડાયેલી છે, દીકરા, દીકરી, વહુ, જમાઈ, પૌત્રો અને પૌત્રીઓ વગેરે બધા વીંટળાઈ વળ્યા છે. જીવનભર સાથ આપનાર જીવનસાથી આ સફરમાં મને એકલા જ પ્રયાણ કરતા જોઈને વ્યથિત છે પણ તેની વ્યથા હવે ‘મેચ્યોરીટી’ પામી ચૂકી છે, જાણે કે સંજોગોને આવતા જોઈને તે પહેલાથી જ શોકમાં ડૂબી ગઈ છે….આસપાસ ઉભેલા બીજા બધા એમ્બ્યુલન્સ બોલાવવાની તૈયારી કરે છે જેથી ઉંચકીને ન લઈ જવો પડે, કેટલાક ફોન કરવામાં પડ્યા છે કે આ જીવ નો આ અંતિમ અવસર છે, કેટલાક શાંત ચિતે ઉભા તેમના સફેદ લેંઘા ઝભ્ભા ક્યાં પડ્યા હશે તે વિચારે છે…..અને હું…..
જીવનના આ અંતિમ મુકામે….અને એક નવી તૈયારી વખતે મને લાગે છે કે હું ગભરાઈશ નહીં…….પણ દુઃખી અવશ્ય હોઈશ, આસક્તિઓ હજીય મને છોડીને ગઈ નથી એટલે પરસેવો અને લોહી એક કરી બનાવેલુ આ મકાન જેમાંથી મને કાઢવા લોકો તલાપાપડ થઈ રહ્યા છે તેને હું શૂન્યમનસ્ક પણે જોઈ રહ્યો છું, યાદ આવે છે એ કરકસર અને વેઠેલી તકલીફો જેના પ્રતાપે આ મકાનના હપ્તા ભરાયા છે……યાદ આવે છે એ બેન્ક બેલેન્સ જે વહેંચાવા માટે તૈયાર છે, યાદ આવે છે એ વાહન જે હવે કદીય મરો સ્પર્શ નહીં પામે……મને ખૂબ ગમતો સ્ટ્રીપ્સનો શર્ટ જે મેં ખાસ દુબઈના એક મોલ માંથી લીધો હતો….અને એક જ વાર પહેરી શક્યો…..મારા પુસ્તકો….મારી એકલતાના સાથી એજ હવે મારો સાથ છોડી રહ્યા છે…મને ભાવતા ભોજન, મારો કેમેરો, મારું લેપટોપ…….યાદ આવે છે એ નાનામાં નાની વાત જે મારા જીવન સાથે સંકળાયેલી છે…..એ બધૂંય મારૂં જે હવે મારું મટી બીજાનું થઈ જશે……અને એ નિર્જીવ વસ્તુઓને મારા જવાનું જરાય દુઃખ નથી
મન કહે છે કે હવે તો આ માયા છોડ….ખબર છે કે આ બધુંય ક્યાંય ભેગુ નથી આવવાનું તો પછી એના વિશે શું કામ વિચારવું. ભગવાનને હવે તો યાદ કર … કોઈક તો મને ગીતાનો પંદરમો અધ્યાય વાંચી સંભળાવો…..પણ મનનો અવાજ બહાર આવતો નથી, હું સળવળું છું તો લોકોને થાય છે કે હવે છેલ્લો ઝાટકો અને ખેલ ખતમ……પણ હજીય તૃષ્ણાઓ છુટતી નથી, કાંઈક હજીય મને બાંધી રાખે છે
કોઈક કહે છે કે ગંગાજળનાં ટીપાં એના મોંમાં નાખો તો કદાચ છૂટે, પણ હું તલસું છું, મોહ માયા છૂટતી નથી, આગળનો સફર દેખાતો નથી, …..મૃત્યુ પછી શું થશે એ ખબર નથી…..ટોળામાં કોઈક ગણગણે છે…..તેમની દીકરીને કહો કે માથે હાથ ફેરવે અને કાનમાં મંત્રજાપ કરે….તો તેમનું મૃત્યુ સુધરે…..મારી દીકરી મારા માથે વહાલભર્યો હાથ ફેરવે છે……એની આંખમાંથી આંસુ મારા ગાલ પર પડે છે અને મારા આંસુ સાથે તે મળી જાય છે….જાણે સાગરમાં મળતી નદી…..મને મારી માંનો વહાલભર્યો હાથ યાદ આવે છે….જીવનની શરૂઆતમાં માં અને અંતમાં દીકરી….હા હવે કાંઈક ટાઢક વળી રહી છે…..હા હવે હાશકારો થઈ રહ્યો છે……જાણે હજારો સૂર્યો ચળકી રહ્યા છે…કોઈક મારો હાથ ખેંચે છે…મારી અંદર રહેલા હું ને કોઈક અદ્રશ્ય હાથો ખેંચે છે….આનંદ આનંદ અને પરમાનંદ છવાઈ જાય છે….હું હવે તદ્દન હલકો થઈ ગયો છું…જાણે કે પક્ષી…ઉડવાનું શરૂ કર્યું છે…..નીચે રોક્કળ મચી ગઈ છે…મારી પત્ની, પુત્રી અને બધાં રડી રહ્યાં છે….અને આ શું….હું હજીય નીચે પડ્યો છું….જાણે ચાવી વગરનું રમકડું…..સ્પ્રીંગ ખલાસ તો ખેલ ખલાસ
તમે શું વિચારો છો? તમને મૃત્યુ પહેલા કેવી ક્ષણો જોઈએ છે?
હું ચતોપાટ પડ્યો છું, મારા બધા કપડા, મારી ટાઈટનની ઘડીયાળ, મારા હાથની વીંટીઓ, મારા ગળાનો સોનાનો ચેઈન બધુંય એક પછી એક ઉતરી રહ્યું હતું અને છાણના લીંપણ પર હવે મને મૂકવામાં આવી રહ્યો હતો.
રોજ મને “તમે નકામો કલબલાટ ન કર્યા કરો, તમારે જોઈતું હોય તે લો, પણ વચ્ચે ન આવો” કહેનારો મારો પુત્ર પોકે પોકે રડી રહ્યો હતો. તેના આંસુ ખુશીના છે કે દુઃખના તે સમજવા જેટલો હું અણસમજુ હતો.
મૃત્યુના દૂતે મને કહ્યું “ચાલો, આ બધુંય તો સામાન્ય છે.”
મેં કહ્યું “તમારા માટે સામાન્ય હોઈ શકે…હું તો પહેલી વાર મરી રહ્યો છું.”
તે મારી સામે જોઈ હસ્યો “ખરેખર?”
“હા કદાચ” હું એવું જ કાંઈક બબડ્યો પણ મારું ધ્યાન તો નીચે જ હતું…આ બધામાં બે જ લોકો ખરેખર દુઃખી હતા,મારી પુત્રી અને મારી પત્ની…..અને તે બે રડી રહ્યાં ન હતાં.
ઘણાય હવે સફેદ લેંઘા ઝભ્ભામાં આવી રહ્યા હતા, એમ્બ્યુલન્સ આવી ગઈ હતી, મારા હાથમાં લાડવા મૂકાઈ રહ્યા હતા અને કાનમાં મારો પૌત્ર કાંઇક મંત્ર બોલી રહ્યો હતો. પણ ત્યાં સાંભળવા વાળુ કોણ હતું? કેટલાક તો હજીય ચા પીવામાં વ્યસ્ત હતા. તેમને સ્મશાન સુધી આવવાનું હતુ એટલે કદાચ…..
મને હવે ખૂબ મુશ્કેટાટ બાંધવામાં આવી રહ્યો હતો….”અરે મારો હાથ તો જુઓ…..” દોરીની નીચે દબાતા મારા હાથ સામેં મે દયાથી જોયું, પણ હવે એ મારો હાથ ન હતો….મારી પત્ની મારી સામે જોઈ રહી…”શું જુએ છે?” હું મનોમન બબડ્યો……
મારો પુત્ર મનમાં ગણતરી કરી રહ્યો હતો, “દસ હજાર બારમાં તેરમા માટે વાપરવા પૂરતા થઈ રહેશે…..ખોટો દેખાડો કરવાનો શો મતલબ?” મારી પુત્રી વિચારી રહી હતી એ દિવસો જ્યારે મારી આંગળી પકડી તે ચાલતી…અમે ચાલતા ચાલતા વાતો કરતા ક્યાંય નીકળી જતા, હું અને મારા બાળકો…..હું ય એ વિચારી થોડોક લાગણીશીલ થઈ ગયો પણ હવે ક્યાં હતી આંખો કે આંસુ આવે? કે ક્યાં હતુ હ્રદય કે દુખી થાય…?? મારી પુત્રવધુ વિચારી રહી હતી કે બાપુજીના પી એફ ના પૈસા ક્યારે આવશે….અને મારો જમાઈ વિચારતો હતો કે ભાગલા ક્યારે પડશે? ….. અરે આ શું….હું બધાના મન વાંચતો હતો …
હવે હું સ્મશાન જવા એમ્બ્યુલન્સમાં ગયો….મારી પત્નીની આંખમાં થી આંસુ નીકળ્યા અને એમ્બ્યુલન્સ જતા સાથે જ એક તરફ તે બેસી ગઈ…..કેટલાક લોકો તેને સાંત્વના આપવા ભેગા થયા પણ તે હવે વિરક્ત હતી. ચિતા પર મૂકાયા પછી, અગ્નિ અપાયા પછી , અસ્થિ વીણાતી વખતે….કે ઘડામાં ભરાતા મને કોઈ લાગણીઓ ન થઈ….દીકરો કહે “પરમદીવસે આપણે મહીમાં બાપુજીના અસ્થિ વહાવી દઈશું. “
દીકરી કહે ગંગા લઈ જઈએ….તો તે કહે…”રજાઓ નથી બે’ન, અને હવે આમેય અમારે ઈન્ક્રીમેન્ટ આવવાનું છે”…..
“ચાલો હવે દોસ્ત…..હવે તો આ માયા છોડો…હવે તો સમજો કે જે મારૂ મારૂ કરીને આખું જીવન વીતાવી દીધું…તેમાં તમારૂં કાંઈ નહોતું……” દૂત બોલ્યો
“તો હવે?”
“હવે નવો જન્મ…….પાપ પુણ્યનો બાકીનો હિસાબ પાછો પૂરો કરવાનો નવો મોકો……”
“એટલે ફરી પાછો જન્મ? પાછો બાળક બનવાનું? આહ…..હું જાણે થાકી ગયો પણ આ હું ન હતો…આ હતો મારો આત્મા”
“હા…પાછો જન્મ…..તમે પૃથ્વી પર સમજતા નથી કે જે ભગવાનના નામ પર કે જે ધર્મના નામ પર તમે આખુંય જીવન ખર્ચી નાખો છો તે ધર્મ તમને પરમ પરમેશ્વરની જ પ્રાર્થના કરવાનું શીખવે છે, આત્મા કહો કે પરમાત્મા કહો કે કહો પ્રભુ એ સઘળુ તમે પોતે…તમારામાં જ છે…તેને પડળોમાં થી કાઢો…પણ તમને પોતાના કરતા બીજાઓની વાતો વધારે સાંભળવી ગમે છે….અને સાંભળ્યા પછી ભૂલી જવી તો તમારો સ્વભાવ છે…..અને એટલેજ આ જન્મ મૃત્યુના બંધનોમાંથી કદી મુક્ત થઈ શક્તા નથી…..જ્યારે “હું” માંથી નીકળી “સ્વ” ને ઓળખશો ત્યારેજ મુક્ત થઈ શક્શો…ત્યાં સુધી આમ જ ફરતા રહો…..
ચાલો, તમારા નવા જન્મનો વખત થઈ ગયો…..”
ધરતી પર સંધ્યાનો કેસરી પ્રકાશ પ્રસરી રહ્યો અને ક્યાંક નવજાતનો રડવાનો અવાજ ગૂંજી ઉઠ્યો…..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો